Posts

Showing posts from 2012

સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે

કળાને બદલે એ સિક્સ પેક્સથી ઢેલને ઈમ્પ્રેસ કરશે. સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે. ટહુકા કરી ગળું બેસી ગયું તોયે કોઈ પટતી નથી. એનાં પીંછા કે ડાન્સ પર કોઈ ઢેલડી મરતી નથી. હવે ઉપાયો અવનવા અને એ પણ સાવ ફ્રેશ કરશે. સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે. અમુક વિસ્તારમાં તો મોર ગધેડે પીટાય છે હવે. એનાં કર્કશ અવાજોથી કર્ણપટલ ઘવાય છે હવે. ટહુકા છોડી એતો વેઈટ લીફટીંગની પ્રેક્ટીસ કરશે. સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે. સાંભળ્યું છે કે એ ચુંટણીમાં પણ ઉભો રહેવાનો છે. વિરોધીઓ કહે છે એ જ લાગનો છે, મરવાનો છે. એ ઘરડો છે તોયે તાકતવર છે એ સાબિત કરશે. સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

કન્ફ્યુઝન થાય છે

આપનું મુખ જોઈ મનમાં થાય છે બ્યુટી પાર્લરવાળા જબરું કમાય છે.   ગુલાબ લઈ આવે છે જે પાછળ  અંતે રાખડી બંધાવીને જાય છે.   મેરા ભારત મહાન કેમ ન હોય? અહિં કૂતરા પણ જલેબી ખાય છે.   બાર મહિને પત્ની પિયર જાય પછી બહુ મસ્ત દિવસો જુદાઈના જાય છે.   પાડોશમાં સુંદર સ્ત્રી રહેવા આવે  પછી  મનમાં સરખામણી થાય છે.   જિન્સ, કેશ, કપડાં સરખા હોય તો ભઈ છે કે બુન, કન્ફ્યુઝન થાય છે.  -- (સ્વ. આદિલ મન્સૂરીની ગઝલની બે પંક્તિ તાહાની  વોલ પર વાંચી અને એનાં પરથી આ હઝલ લખાઈ ગઈ) 

શું ફેર પડે છે ?

રસ્તે જતાં થૂંકી નાખ્યું, શું ફેર પડે છે? પડદે મ્હોં લુછી નાખ્યું, શું ફેર પડે છે? ઘર જોયેલું, ને એડ્રેસ પાકું ખબર હતી, રસ્તે જતાં પૂછી નાખ્યું   શું ફેર પડે છે? ફાઈલ કમ્પ્લીટ હતી, મંજૂરી યોગ્ય હતી કોકડું તોયે ગૂંચવી નાખ્યું, શું ફેર પડે છે? કન્યા સુંદર હતી, ક્યુટ ને અહિંસક પણ હિંમત કરી પૂછી નાખ્યું, શું ફેર પડે છે? મફતમાં મળે તો શું ઈંગ્લીશ ને શું દેશી? જે મળ્યું તે ઢેંચીં નાખ્યું, શું ફેર પડે છે ?

સાવ કોરો છું ....

ફેલાવી બેઠો છું લાલ જાજમ   લે આવ કોરો છું. આંખોમાં શ્રાવણ સુદ આઠમ ને સાવ કોરો છું. તું આઈ લવ યુ કહી દે ,   કોઈ પણ ભાષામાં હો ઉર્દૂ તામિલ મલયાલમ કે સાવ કોરો છું . સુરાલયમાં સંગત હતી , ને કારણ વાજબી હતાં આજે કહેવામાં લાગે છે નાનમ કે સાવ કોરો છું . બરછટ જીંદગીમાં મોરપીંછ સમું કોઈ જ નથી ! સ્વપ્ન હતાં રેશમી મુલાયમ ને સાવ કોરો છું .   એ પણ છેતરવાની જ એક રીત છે ‘ અધીર ’ હો છલોછલ   ને કહીએ જાનમ કે સાવ કોરો છું .

થાય છે

પહેલાં લડે પછી પ્રણય થાય છે. વાતવાતમાં એને સંશય થાય છે. પ્રાપ્ત ન થાય સ્વર્ગ મર્યા વિના , પીડા વગર ક્યાં પ્રસવ થાય છે ?

સુક્કા સપના

સૈકો નહિ તો એક ક્ષણ થઈ મળ મને, એ ક્ષણમાં હું જોયા કરું અનર્ગળ તને. પાણીના સમ આપી તરસ્યો રાખે છે, છેતરી જાય સુક્કા કુવાનાં તળ મને. કોઈની કુંવારી કૂખમાં સ્વપ્ન ભરી શકું, દુર્વાસાના આશિર્વાદની જેમ ફળ મને.   વર્ષો પછી મળ્યાં પણ જોઈ ન શક્યો આંખે બાઝ્યાં’તા આંસુનાં પડળ મને. રણ જેવી એની આંખોમાં તાકી રહ્યો,   ન સમજાયું શેની હતી ખળખળ મને. રૂપિયાથી જ કેમ મૂલવતા હશે લોકો વિચારોથી પણ કોઈ ગણે સફળ મને .

આખી રાત

Image
માછલી પાણીમાં તરફડે છે આખી રાત. ને પંખી માળામાં ફડફડે છે આખી રાત. શમણામાં આખી રાત જાગતો બેઠો રહ્યો, યાદો પછી જૂની સળવળે છે આખી રાત. એ હકીકત છે કે સ્વપ્ન, નક્કી નથી થાતું, કાનમાં કોઈના શ્વાસ ફરફરે છે આખી રાત. લગામ ત્યાં કોની કોના હાથમાં હોય છે ? ઇચ્છાઓના ઘોડા હણહણે છે આખી રાત. આજની રાત તારે સુવાનું નથી ‘અધીર’ એક મચ્છર એવું ગણગણે છે આખી રાત. ~ અધીર અમદાવાદી 

ફેસબુક જન તો તેને રે કહીએ .....

ફેસબુક જન તો તેને રે કહીએ જે ટેગ પરાણે મારે રે, ટેગ કરી ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને ટેગે, છોડે ન એ કોઈને રે, પોતાની વોલને ચોખ્ખી રાખે, ધન ધન ગર્લફ્રેન્ડ તેની રે ... ફેસબુક જન સમદ્રષ્ટિ ને સૌને ટેગે, પણ સ્ત્રી જેને ખાસ રે, કોપી કરીને સૌને ટેગે, ગોરધન નવ કાંપે હાથ રે ... ફેસબુક જન મુકુલ છાયા ગાંઠે નહિ એને, ટેગ વૈરાગ્ય નહીં મનમાં રે, બે-ચાર શું કોમેન્ટ રે વાગી, સકળ સ્ટેટસ તેના માનમાં રે ... ફેસબુક જન વણથોભી ને સતત ઠોકી છે, કામ-ધંધો વિસાર્યા રે, પણે અધીરિયો તેનું વર્ણન કરતાં ધૂળનાં ફાકા માર્યા રે ... ફેસબુક જન

આશા અમર છે.

આશા અમર છે. અમર પ્રેમ છે. પ્રેમ સલમાન છે. સલમાન કુંવારો છે. કુંવારો સુખી છે. સુખી ગાયક છે. ગાયક ગાય છે. ગાય માતા છે. માતા સ્ત્રી છે. સ્ત્રી શક્તિ છે. શક્તિ દૂધ છે. દૂધ સફેદ છે. સફેદ કલર છે. કલર ચેનલ છે. ચેનલ ચાલુ છે. ચાલુ આઈટમ છે. આઈટમ હોટ છે. હોટ સમર છે. સમર વેકેશન છે. વેકેશન લાંબુ છે. લાંબુ જીવન છે. જીવન યાત્રા છે. યાત્રા સાહસ છે. સાહસ વીર છે. વીર જવાન છે. જવાન અમર છે. -- ને આશા પણ અમર છે. સાલું બહુ કન્ફ્યુઝન છે આ તો !

અનારકલી

શહેર આખાયમાં ચર્ચાય છે એક જ કિસ્સો બકા, કે અનારકલી મુજરો મૂકીને જાય છે ડિસ્કો બકા. તારો હાથ, તારી બોલી અને તારો જ વિજય, લે ઉછાળ શોલેનો આ ઐતિહાસિક સિક્કો બકા. યાદ કર, ચાંદની રાતે રણની રેશમી રેતી પર, તેં કહ્યું’તુ કે તુ મારો જ તો છે એક હિસ્સો બકા. તારા અધર અને ગાલોના ગુલાબી રંગ સામે શેડકાર્ડનો ગુલાબી રંગ લાગે છે ફિક્કો બકા. ક હ્રિતિક નો ક, અને ખ શાહરુખનો ખ બસ ? તું કહે એ સાચું, ને તારો જ ખરો કક્કો બકા પ્રાસની પડીકી, લે શબ્દોની ફાકી, કવિ થવા ‘અધીર’ વધારી દાઢી પહેરી લે ઝભ્ભો બકા.