Posts

Showing posts from March, 2013

આમીન ના કર

જે પ્રાચીન છે એને તું અર્વાચીન ના કર. મોગલે-આઝમ ફિલ્મને તું રંગીન ના કર. મને રસ છે માત્ર આ પ્રસંગના વર્તમાનમાં કલાત્મક બનાવી એને સાર્વકાલીન ના કર. મોજે દરિયામાં ડૂબ ને જિંદગી તરતો જા, બે ચાર જે ક્ષણો છે એ તું ગમગીન ના કર. છે મંજૂર એ કે તું દુઆ ન દે અમને પણ, દુશ્મનોની બદદુઆ પર ‘આમીન’ ના કર. સૌંદર્ય ને સુંદરતામાં ફરક સમજ ‘અધીર’ બેવફા ને બેનઝીર કહી તહસીન ના કર.

પૃથ્વીનો મેરુદંડ છું

મેળાઓમાં હું કુંભ છું ને પૃથ્વીનો મેરુદંડ છું; આવું છું નાસ, મોજું સુનામીનું ને પ્રચંડ છું ! સીધો છું પણ કડક છું, ગાંઠો પણ કંઇક મુજમાં, મીઠાશ ભરી જગતની જેમાં, હું એ ઇક્ષુદંડ છું. મૃત્યુંજય છું કે ખુદ યમને પાછાં વળવું પડે, ભક્તિની વાત થાય તો હું જ ઋષિ માર્કંડ છું. એટલે પ્રજ્વળું કે કોઈ શ્રધ્ધાથી તેલ પૂરે છે; આમ અમથી દિવેટ, ને આમ દીવો અખંડ છું. કાળોમેશ, રાખાચ્છાદિત ને અગ્નિવેશ ધારી, તપું જનકલ્યાણ અર્થે એ પવિત્ર હવનકુંડ છું.